
વિદ્યાર્થી વર્ગમાં જ્યારે પાછલી બેંચ ઉપર બેસે ત્યારે બોર્ડ ઉપરનાં અક્ષરો દેખાતાં નથી, તો શું કરવું ?
ઘણાં મા-બાપની ફરિયાદ હોય છે કે બાળકને જ્યારે કલાસમાં રોટેશન હોય છે, જયારે તેનો નંબર પાછલી બેંચ ઉપર આવે ત્યારે તે બોર્ડ ઉપરનાં અક્ષરો વાંચી શકતો નથી. તેની આંખની તપાસ કરીને જ્યારે ચશ્માનાં નંબર કાઢી આપવામાં આવે ત્યારે મા-બાપ, દાદા- દાદી અને કદાચ બાળક નિરાશ થઈ જાય છે. આ નંબર ખૂબ જ ઓછો કે નજીવો હોય તો પણ તે જો ન આપવામાં આવે તો બાળક કલાસમાં પાછળ રહી જાય, હેરાન થાય, માથું દુઃખે, બાજુમાંથી કે આગળ જઈને જોઈને લખવું પડે અને સાંજે થાકીને સૂઈ જાય. આથી માર્કસ ઓછા આવે તે મા-બાપને ચાલતું નથી.
દરેક બાળક થોડાં-વધુ નંબર સાથે જ જન્મે છે. ઝીરો નંબર વાળા બાળકનું પ્રમાણ ઓછું હોય છે. પહેલાં પણ બાળકોને આંખમાં આજ રીતે નંબર હશે પરંતુ કલાસરૂમનાં હવા-ઊજાસ, ઓછી સંખ્યા,અને ભણાવવાની પદ્ધતિને લીધે આટલાં બધાં બાળકોને ચશ્માની આવશ્યકતા ઊભી નહોતી થતી. આજે માતા-પિતા એ બાળકની આંખની કાળજી લેવી જોઈએ. તેની સાથે સ્કૂલ, ટ્યુશન કલાસ અને ગવર્મેન્ટે પણ તેમની જવાબદારી નિભાવવી જરૂરી છે. આજે દરેક સ્કૂલ તેમના એક-એક કલાસમાં કેપેસીટી કરતાં ઘણાં વધુ વિદ્યાર્થીઓ દાખલ કરી દેતાં જોવામાં આવે છે, તેથી આ બધાં મુદ્દાઓનું અવલોકન કરીને નીચે પ્રમાણે મા-બાપને શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શન આપવા પ્રયત્ન કરેલ છે.
કલાસરૂમ માટે સંસ્થાની જવાબદારી :
- સહુથી અગત્યની વાત વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગદીઠ ર૦-૩૦ થી વધુ ના હોવી જોઈએ. કારણ કે છેલ્લી ર થી 3 લાઈનનાં વિદ્યાર્થીઓને જોવામાં ૬/૬ સંપૂર્ણ દષ્ટિ ના હોય તો બ્લેકબોર્ડ ઉપર જોવામાં તકલીફ પડે જ.
- બોર્ડ ઉપર વધુ લાઈટ હોવી જોઈએ.
- બોર્ડનો કલર અને ચોકનો કોન્ટ્રાસ્ટ વધુ હોવો જોઈએ.
- બોર્ડની બંને બાજુની બારીમાંથી પ્રકાશ બોર્ડ ઉપર ના પડતો હોવો જોઈએ, નહીં તો અક્ષર જોવામાં તકલીફ થાય.
શિક્ષકની જવાબદારી :
- અક્ષર સારા અને મોટા કાઢવા જરૂરી છે.
- અક્ષર ઘાટાં કાઢવા.
- અક્ષર પાછલી બેંચથી વગર તકલીફે વંચાય તેવું શિક્ષકે ખુદ જોઈ લેવું જોઈએ.
- કલાસમાં ૩ પ્રકારનાં વિદ્યાર્થીઓ હોય છે. (૧) ચશ્મા વગર નોર્મલ દષ્ટિ. (૨) ચશ્માના નંબર પહેરવાથી નોર્મલ દષ્ટિ. (૩) ચશ્માના નંબર પહેર્યાથી પણ દષ્ટિ ખામીયુક્ત રહે. આ ત્રીજા પ્રકારનાં વિદ્યાર્થીઓને આગળી બેંચ ઉપર બેસાડવા અનિવાર્ય હોય છે.
- વિદ્યાર્થીઓની આંખ લાલ લાગવી, તેમને વારંવાર માથાનો દુઃખાવો થવો અથવા અક્ષરોખોટા લખવાની તકલીફ લાગે તો તરત વાલીઓનું ધ્યાન દોરવું.
મા-બાપની જવાબદારી :
- બાળકની આંખનું ચેકઅપ કરાવવું અને તેના ખોરાક ઉપર પૂરતું ધ્યાન આપવું.
- ટીચરનાં સંપર્કમાં રહી, બાળક બોર્ડ ઉપરથી બરાબર લખી શકે છે કે નહીં તે જાણવું.
- બાળક સ્કૂલથી ઘરે આવે ત્યારે તરત ભણવા બેસાડી ન દેતાં, થોડી આઉટડોર ગેમ્સ રમવા પ્રોત્સાહિત કરવા.
- વધુ પડતો ટીવી અને કમ્પ્યુટરનો ઉપયોગ ન કરવા દેવો.
Post a Comment